વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ 2023 માં ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચીને ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો જમાવ્યો છે. જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતિ ગોપીચંદ સ્વામીની ભારતીય મહિલા ટીમે શુક્રવારે બર્લિનમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ કોઈ પણ વર્ગમાં તીરંદાજી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો સુવર્ણ ચંદ્રક છે.
ભારતીય ટીમને સુવર્ણ ચંદ્રક માટે ફાઈનલમાં મેક્સિકનની ટીમનાં ડૈફને ક્રિટેરો, એના સોફા હર્નાડેજ જીયોન અને ઈંડ્રિયા બેસેરાને 235-229 થી હરાવ્યા હતા. ત્યારે ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજા સ્થાન પર રહેલ ભારતીય જોડીએ સેમિફાઈનલમાં ચેમ્પિયન ટીમ કોલંબિયાને 220-216 થી હરાવીને ટાઇટલ મેચમાં જગ્યા બનાવી હતી.
મહિલા ખેલાડીઓને અભિનંદન આપતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ લખ્યું, “ભારતે બર્લિનમાં ઈતિહાસ રચ્યો કારણ કે મહિલા ટીમે ફાઈનલ 235-229થી જીતીને વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે તાજ પોતાના નામે કર્યો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયાનો આ પહેલો સુવર્ણ ચંદ્રક છે.” છોકરીઓને ખૂબ ખૂબ અભિનંદન! તમારા પર ગર્વ છે.”
કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે ટીમને શુભેચ્છા પાઠવતા ટ્વિટર લખ્યું કે, તિરંદાજોની ટુકડીને સલામ, જે આત્મ વિશ્વાસ અને કોશલ્ય સાથે તમે ભારતને જીત અપાવી છે. તે વાસ્તવમાં ખૂબ જ મુશ્કેલ છે. મેચમાં ગણા પડકારોનો સામનો કરવો અને મજબૂતી સાથે પ્રદર્શન કરવું તે ખૂબ જ મુશ્કેલ અને પ્રેરણાદાયક છે. તમામ છોકરીઓ પર ગર્વ છે, તમે ભારતને ગૌરવ અપાવ્યું છે. તમે દેશ અને દુનિયાનાં ઈતિહાસમાં ફરીથી લખતા રહો તેવી શુભેચ્છાઓ..