હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં છેલ્લા 4 દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે. આજ સવારથી ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતભરમાં આજે પણ કાળડિંબાગ વાદળો જોવા મળી રહ્યા છે. આજે સવારના 6 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સૌથી વધારે સુરતના માંડવીમાં અને ચીખલીમાં નોંધાયો છે. અહીં બે કલાકમાં જ 2-2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
આ ઉપરાંત આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં ખેરગામમાં 1.5 ઈંચ, વલસાડમાં સવા ઈંચ અને ધરમપુરમાં પણ સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાંસદામાં સવા ઈંચ, પારડીમાં 1 ઈંચ, સુરત શહેરમાં 1 ઈંચ, પલસાણામાં પોણો ઈંચ, ડોલવણ અને મહુવામાં પોણો ઈંચ, બારડોલી અને તાપીના વાલોડમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત સુરત જિલ્લામાં છેલ્લા 1 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે સોસાયટી અને બજારોમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તાઓ પર પણ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે
વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે મોગરાવાડી ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.