સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. દેશને મળતું વિદેશી હુંડિયામણમાં મહદઅંશે સુરતમાં ડાયમંડ ઉદ્યોગનો ફાળો છે. સુરતના ઉદ્યોગને સમયની સાથે આગળ વધારવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડાયમંડ બુર્સને શરૂ કરવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે. આજે ડાયમંડ બુર્સની કમિટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ માટે કમિટીના સભ્યો આજે દિલ્હી ગયા છે અને વડાપ્રધાનને રૂબરૂ મળી આમંત્રણ આપ્યું હતું.
ડાયમંડ બુર્સ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યું સુરત ડાયમંડ બુર્સની ટીમ આજે સવારે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઈ હતી. ડાયમંડ બુર્સ કમિટીના ચેરમેન અને ડિરેક્ટર સહિતના મહત્વના હોદ્દેદારોની આ કમિટીના કુલ 8 સભ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વિશ્વના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને એક જ સ્થાને ટ્રેડિંગ કરવાની વ્યવસ્થા ઊભી થઈ છે. ડાયમંડ બુર્સ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક ડાયમંડ બુર્સને હવે શરૂ થવાના ગણતરીના દિવસો જ બાકી છે.
ડાયમંડ બુર્સમાં જે ઓફિસ શરૂ કરવા માટે તૈયાર થઈ ગઈ છે તેમનું લિસ્ટ પીએમઓને આપવામાં આવ્યું છે. કુલ 467 જેટલી ઓફિસનું ફર્નિચરનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. નરેન્દ્ર મોદીને આજે બપોરે 2 વાગ્યે મળીને રૂબરૂ દિલ્હી ખાતે આમંત્રણ આપવામાં આવશે. નરેન્દ્ર મોદી જે તારીખ આપશે તે તારીખે વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દબદબાભેર ડાયમંડ બુર્સનું ઓપનિંગ કરવા માટેની યોજના ડાયમંડ બુર્સના કમિટીના સભ્યોએ કરી છે. જે પ્રકારે વિશ્વમાં અજાયબી સમાન ડાયમંડ બુર્સ તૈયાર કરવામાં આવ્યું છે તે યાદગાર બની રહે તેવી રીતે ભવ્ય ઓપનિંગ સેરેમની પણ કરવામાં આવશે.
સુરત ડાયમંડ ઉદ્યોગ વિશ્વભરમાં ફેલાયેલો છે. ડાયમંડ બુર્સના નિર્માણથી સુરત શહેરનો હીરા ઉદ્યોગ સમગ્ર વિશ્વની અંદર પોતાની આગવી ઓળખ ઊભી કરશે. અત્યારસુધીમાં સુરત શહેરમાં માત્ર રફ ડાયમંડને પોલિશ્ડ કરવાનું કામ કરતો હતો, પરંતુ હવે ટ્રેડિંગ હબ પણ બનવા જઈ રહ્યું છે. ડાયમંડ બુર્સ રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર થયું છે. 1.48 લાખ ચોરસમીટરમાં ફેલાયેલો બુર્સ વર્ષે 2 લાખ કરોડ કરતાં વધુનો ડાયમંડનો વેપાર થશે.
અમેરિકાના પેન્ટાગોન બિલ્ડિંગને પછડાટ ડાયમંડ બુર્સનું ક્ષેત્રફળ 68 લાખ ચોરસફૂટ છે. તમને જણાવી દઈએ કે અત્યારસુધી અમેરિકાનું ડિફેન્સ કાર્યાલય પેન્ટાગોન દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે. એન્હાન્સ્ડ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોન 67 લાખ ચોરસફૂટ જમીનમાં બનાવવામાં આવ્યું છે, જ્યારે ડાયમંડ બુર્સ 68 ચોરસફૂટ જમીનમાં બનાવવામાં આવી રહ્યું છે. આ અર્થમાં સુરતની ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી એકબીજા સાથે જોડાયેલી ઇમારત છે.
હીરાના વ્યવસાય માટે ડાયમંડ બુર્સ બનાવવામાં આવી રહી છે, જેમાં ઉદ્યોગપતિઓના હીરા અને દાગીનાની સુરક્ષા માટે કુલ 4000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક ટાવરમાં ફાયર સેફ્ટી માટે સેન્સર છે. ડાયમંડ બુર્સમાં કુલ 4200 ઓફિસ છે. આ ઉપરાંત 4500 ફોર-વ્હીલર અને 10 હજાર ટૂ-વ્હીલર માટે વિશાળ પાર્કિંગ છે. ડાયમંડ બુર્સ શરૂ થયા બાદ હીરાના વેપારીઓને બિઝનેસ કરવામાં સરળતા રહેશે.
ડાયમંડ બુર્સમાં રોજના લાખો લોકોની અવરજવર રહે છે, જેના માટે ટ્રાન્સપોર્ટેશન ને પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસની સુવિધા સમયસર મળી રહે એવું આયોજન હાથ ધરાયું છે તેમજ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત સરસાણાથી ડાયમંડ બુર્સ ખજોદ સુધી દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સમાં જે ડાયમંડ ફેક્ટરીઓના માલિકો તેમજ નાના-મોટા ડાયમંડના વેપારીઓએ ઓફિસ ખરીદી છે તેનું ઇન્ટીરિયર આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવામાં આવી રહ્યું છે. વિશ્વના 175 કરતાં વધુ દેશોના બાયર્સ અહીં આવશે ત્યારે તેમને આકર્ષવા માટે ડાયમંડ બુર્સની તમામ ઓફિસો આંતરરાષ્ટ્રીય સ્તરની તૈયાર કરવામાં આવી રહી છે.