સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તંત્રએ આવા પ્રયોગો કરવા કરતા બીજો વિકલ્પ વિચારવો પડશે. કારણ કે આ પ્રયોગ લાંબો ટકે તેવો લાગતો નથી. ધારદાર ખીલ્લા જ્યારે કોઈ રાહદારીને ખબર નહીં હોય અને અજાણતા પગમાં ઘૂસી જાય તેવા બની ગયા છે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકોને પાઠ ભણાવવા માટે એએમસી અને ટ્રાફિક વિભાગ દ્વારા ટાયર કિલર બમ્પનો પ્રયોગ તો કરવામાં આવ્યો છે પરંતુ આ પ્રયોગ સામે જ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે ટાયર કિલર બમ્પ લગાવ્યાના બીજા દિવસે જ આ નવતર પ્રયોગ ફિયાસ્કો થઈ ગયો હોય તેવું જોવા મળ્યું હતું. કારણ કે ટાયર કિલર બમ્પ લગાવવા છતાં વાહન ચાલકો બિન્દાસ થઈને વાહન રોંગ સાઈડમાં હંકારતા હતા. અને ટાયર કિલર બમ્પથી ટાયર પંચર થઈ જશે તેઓ દાવો પણ ફેઇલ થયો હોય તેવું જોવા મળ્યું હતું. જેથી ટ્રાફિક વિભાગ દ્વારા ફરી ટાયર કિલર બમ્પમાં લાગેલા ખીલ્લાને ધારદાર બનાવ્યા છે પરંતુ હવે તે ધારદાર ખીલ્લા રાહદારીઓને ઇજા પહોંચાડે તેવા થઈ ગયા છે જેથી હવે સ્થાનિકો આ પ્રયોગને જ નિષ્ફળ ગણાવી રહ્યા છે.