ભેજયુક્ત વાતાવરણના કારણે આંખના રોગ કન્જક્ટિવાઇટિસના કેસમાં ભારે ઉછાળો આવ્યો, અમદાવાદમાં 25 હજાર જેટલા આંખના ઇન્ફેકશનનાં દર્દીઓ નોંધાયા. કેસમાં વધારો થતા દવાના વેચાણમાં 60 ટકાનો વધારો જોવા મળ્યો.
તાજેતરના ભેજવાળા વાતાવરણના કારણે શહેરમાં ઠેર-ઠેર કન્જક્ટિવાઇટિસના કેસ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં નાનાથી લઈને મોટા સુધીના લોકો આ રોગનો ભોગ બની રહ્યા છે. હાલ આંખોમાં ઇન્ફેકશન થવાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. આ સાથેજ આંખમાં ઇન્ફેકશન થવાના કેસમાં વધારો થતા દવાના વેચાણમાં પણ 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. આંખમાં ઇન્ફેકશન થતા દવાના વેચાણમાં સૌથી વધુ આઈડ્રોપની માંગમાં ખાસ્સો ઉછાળો જોવા મળ્યો છે.
અમદાવાદમાં સતત ભેજયુક્ત વાતાવરણના કારણે આંખના રોગ કન્જક્ટિવાઇટિસના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સરકારી દવાખાના અને ખાનગી દવાખાનામાં લોકો આંખોની તકલીફની ફરિયાદો લઈને આવી રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદમાં 25 હજાર જેટલા આંખના ઇન્ફેકશનનાં દર્દીઓ નોંધાયા છે. આ રોગની સાથે જેન્ટામાયસીન આઈ ડ્રોપ, સિપ્રોફ્લોક્શસિંન આઈડ્રોપ, મોકસીફ્લોઝાસિંન આઈ ડ્રોપ,ગેટી ફ્લોક્શસીન આઈડ્રોપ, ઓફ્લોકાસીન આઈડ્રોપમાં માંગ વધી છે. આ સાથે જ સેટેરેઝીન ટેબ્લેટ,એવિલ ટેબ્લેટ જેવી દવાનાં વેચાણમાં વધારો થયો છે. જો કે દવાના વેચાણમાં વધારો થતાં ડોક્ટરની સલાહ વિના આઈડ્રોપ કે કોઈ દવા ન લેવા માટે સૂચન પણ આપવામાં આવી રહ્યા છે.
ડોક્ટરની સલાહ વિના આઈડ્રોપ કે કોઈ દવા ન લેવી
અત્યારની પરિસ્થિતિ જોઈને કેમિસ્ટ એસોસેશનએ લોકોને કહ્યું કે ડોકટરની સલાહ વગર આઈ ડ્રોપ કે મેડિસન ન લેવી જોઈએ. આ સાથે જ દવાની સંગ્રહખોરી ન કરતા જરૂર પડે એવા જ આઇ ડ્રોપ લેવાની પણ અપીલ કરી છે.
કન્જક્ટિવાઇટિસના લક્ષણો
કન્જક્ટિવાઇટિસ’થી પીડિત વ્યક્તિની આંખોનો સફેદ ભાગ સંપૂર્ણપણે ગુલાબી અને લાલ થઈ જાય છે. આંખોમાં ખંજવાળ આવે છે અને દુખાવો થાય છે. સતત પાણી નીકળ્યા કરે છે. વારંવાર ધુંધળુ દેખાય છે. આંખો સોજી જાય છે. આ બિમારીના કારણે આંખોની રોશની પર ખરાબ અસર થતી નથી. થોડા સમય માટે ધુંધળુ દેખાવા લાગે છે. આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી, આંખમાં ચીપડા વળવા, આંખમાં દુખાવો અને પાંપણ પર સોજો આવે તેમજ યોગ્ય સારવારના અભાવે આંખની કીકી પર ચાંદી કે સોજો આવી જતાં દૃષ્ટિને નુકસાન થાય છે.
આ બિમારીથી કેવી રીતે બચવું?
– સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું
– વારંવાર હાથ ધોવો
– આંખોને વારંવાર અડકવું નહીં
– ટુવાલ, બેડ અને રૂમાલ શેર કરવો નહીં
– કોન્ટેક્સ લેંસને ટાળો
– ડૉકટરની સલાહ વગર દવા ના લેવી
– પબ્લિક સ્વિમિંગ પૂલનો ઉપયોગ ના કરવો
– સંક્રમિત વ્યક્તિથી દૂર રહો
– સંક્રમિત વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ ના કરવો
વરસાદમાં કપડાંમાં બેક્ટેરિયા મરી જાય તેવા લિક્વિડનો ઉપયોગ કરવો, ઘરમાં સૂકવેલાં કપડાં સંપૂર્ણ સુકાય તેની કાળજી રાખવી, દર્દીનાં કપડાં અલગ ધોવાં અને અલગ જગ્યાએ મૂકવાં, નિયમિત દવા નાખવી, આંખને વધુ અડકવું નહિ, નિયમિત દવાથી ત્રણ દિવસમાં રોગ કંટ્રોલમાં આવે અને અઠવાડિયામાં મટી શકે છે.