અખબારી યાદી
તા. ૧૮-૦૯-૨૦૨૨
• ચિત્તા આપણી ધરતી પર આવે તેનો આપણને સૌને આનંદ છે. પરંતુ એ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે, દેશના ૭૦ વર્ષમાં કોઈએ પ્રયત્ન ના કર્યો અને ૭૨ વર્ષ પછી ભારતની ધરતી પર પહેલીવાર ચિત્તા આવી રહ્યાં છે, તે સદંતર જુઠ્ઠાણું : શક્તિસિંહ ગોહિલ
• ગુજરાતમાં ૨૦૦૯માં આપણા ગીરના સિંહોને સિંગાપુરને આપીને સામે ચાર ચિત્તા (બે નર અને બે માદા) લાવવામાં આવ્યા હતા જેમાંના એકપણ આજે હયાત નથી : શક્તિસિંહ ગોહિલ
રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાજ્ય સભાના સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી આપણા સૌના પ્રધાનમંત્રીશ્રી છે. પ્રધાનમંત્રી એ કોઈ પોલીટીકલ પાર્ટીના માધ્યમ નથી પરંતુ દેશના પ્રધાનમંત્રી છે અને આજ સુધી આપણે ગૌરવ પૂર્વક કહી શકીએ છીએ ભૂતકાળમાં જેટલા પણ પ્રધાનમંત્રીશ્રીઓ થઈ ગયા તેમણે ખુરશીની ગરીમા જાળવી છે અને તે જગ્યા પરથી કદી જુઠ્ઠુ બોલાય નહી તેના માટે સદંતર કાળજી લેતા આવ્યા છે. મારે દુઃખ સાથે કહેવુ પડે છે કે આજે આપણા પ્રધાનમંત્રીશ્રીએ બે દિવસ પહેલા ચિત્તાના નામે જે તાયફો કર્યો અને તે તાયફામાં જે જુઠ્ઠાણું બોલ્યા છે તેનુ મને દુઃખ છે. આપણી ધરતી પર રહેતા ચિત્તા આપણી ધરતી પર આવે તેનો આપણને સૌને આનંદ છે.
પરંતુ એ પ્રસંગે જે જુઠ્ઠાણું બોલવામાં આવ્યું કે દેશના ૭૦ વર્ષમાં કોઈએ પ્રયત્ન ના કર્યો અને ૭૨ વર્ષ પછી ભારતની ધરતી પર પહેલીવાર ચિત્તા આવી રહ્યાં છે ત્યારે આપણા આજના પ્રધાનમંત્રીશ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એ દરમ્યાન ૨૦૦૯માં આવોજ એક તાયફો અને આવોજ એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ચાર ચિત્તા (બે નર અને બે માદા) સિંગાપુરથી લાવવામાં આવ્યા તથા તેના બદલામાં આપણા ગીરના સિંહોને સિંગાપુરને આપવામાં આવ્યા હતા. એવુ કહેવામાં આવ્યું કે, આ ચિત્તા હું લઈને આવ્યો છું.
આ ચિત્તાઓમાંથી ખુબ પ્રજનન થશે, ખુબ વસ્તી વધશે. દુનિયાભરમાંથી લોકો ચિત્તા જોવા માટે ગુજરાતમાં આવશે અને ખુબ રોજગાર વધી જશે. એ પછી કોઈએ આ ચિત્તાનું મોઢુ જોયું નથી અને ચારમાંથી એકપણ ચિત્તો અત્યારે જીવતો નથી અને અત્યારે મધ્યપ્રદેશમાં જઈને ૭૨ વર્ષમાં પહેલીવાર ચિત્તો આવી રહ્યો છે તે જુઠ્ઠાણું શા માટે તેઓ બોલી રહ્યાં છે ?
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આજસુધી ચિત્તા લાવવા માટે કોઈ પ્રયત્ન થયો નથી તે તેમનું બીજુ જુઠ્ઠાણું છે.
કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી અને યુ.પી.એ. સરકારે ચિત્તા આપણ દેશમાં લાવવા માટે પ્રયત્ન કર્યો હતો. સુપ્રિમકોર્ટમાં સરકારે પીટીશન કરી અને સુપ્રિમકોર્ટે નિષ્ણાંતોની એક કમીટી બનાવી અને એ કમીટીમાં વાઈલ્ડ લાઈફ ઈસ્ટીટ્યુટના ડીરેક્ટરશ્રી રણજીતસિંહજીને ચેરમેન બનાવવામાં આવ્યા. ડી.જી.પી. વાઈલ્ડ લાઈફ શ્રી ધનંજય મોહન અને ડી.આઈ.જી. સહિત ત્રણ વ્યક્તિઓની કમીટીનું રચન કરવામાં આવ્યું.
આ કમીટીએ આ વિષયના અન્ય લોકો અને વિદેશના એક્સપર્ટ સાથે ચર્ચા કર્યા પછી એ નિતકર્ષમાં આવી કે, આખા દેશમાંથી ચિત્તા લાવવા માટે સર્વશ્રેષ્ઠ જગ્યા એ ગુજરાતના બન્ની – કચ્છ વિસ્તાર છે અને એ ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય. કોંગ્રેસની ભારત સરકારે કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા સિવાય ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં દરખાસ્ત મોકલી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પુરી સહાય આપશે અને આ પ્રોજેક્ટનો સ્વિકાર કરવા અને ચિત્તા માટેના અભ્યારણ્ય બનાવવા માટે અધિકૃત રીતે જણાવવામાં આવ્યું.
વારંવાર કહેવા છતાં આજના પ્રધાનમંત્રી અને એ વખતના મુખ્યમંત્રીશ્રીએ શા માટે ગુજરાતના કચ્છમાં ચિત્તા માટેનો આ પ્રોજેક્ટ સ્વિકાર ન કર્યો અને કમીટીના ચેરમેન રણજીતસિંહજીએ દુઃખ સાથે કહ્યું કે, બન્ની શ્રેષ્ઠ વિસ્તાર હોવા છતાં કેન્દ્ર સરકારની તમામ મદદની તૈયારી છતા આ પ્રોજેક્ટ સ્વિકારવામાં ન આવ્યો. માટે અમે ત્યા ચિત્તાને વસાવી શકતા નથી.
આમ મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા જુઠ્ઠાણું બોલવામાં આવ્યું કે, કોઈએ પ્રયત્ન નથી કર્યો એની સામેની આ હકિકત છે. પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી અને મીડીયા કોર્ડીનેટરશ્રી હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.