કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે (Gyasuddin Shaikh) હાલ અમદાવાદના કોટમાં વિસ્તારમાં ચાલી રહેલી ડિમિલોશનની કામગીરી અંગે સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, “અમદાવાદના જમાલપુર, દરિયાપુર અને શાહપુર આ વિસ્તારોની અંદર ડિમોલેશની કામગીરી એકતરફી કરવામાં આવી રહી છે. જો વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ હોય તો તેને તોડવામાં આવે તેની સામે અમને કોઈ વાંધો કે વિરોધ નથી. જ્યારે ગેરકાયદેસર બાંધકામ બનતા હોય, સાત-સાત માળ બની જતા હોય એવા સમયે અધિકારી પોતાના હપ્તા લઈ જાય છે. RTI એક્ટિવિસ્ટો પણ હપ્તા લઈ જાય છે. ત્યાર બાદ તેમના હપ્તા પતી જાય ત્યારે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ થતી હોય છે. અમદાવાદની અંદર 9 લાખ જેટલા ગેરકાયદેસર બાંધકામ છે. ત્યારે ફક્ત બે જ વિસ્તારોને ટાર્ગેટ કરીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેની સામે અમારો વાંધો છે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “જે બિલ્ડરો છે, એ બિલ્ડરો નથી પણ બુટલેગરો છે. તમે એમને પાસામાં પુરો, તેની સામે અમને કોઈ વાંધો નથી. પરિસ્થિત એવી બને છે કે, સાત માળ બંધાઈ જાય ત્યારે ગરીબ લોકો જેમણે ઘર લીધા હોય તેમને ખબર નથી હોતી કે એના દસ્તાવેજ છે કે નહીં. પુરાવા છે કે નહીં. 7 માળ બની ગયા બાદ જ્યારે તંત્ર તેનું ડિમોલિશન કરે છે. ત્યારે બુટલેગર બિલ્ડરોનું કોઈ નુકશાન થતું નથી. પરંતુ નુકશાન ગરીબ લોકોનું થાય છે. જેમણે બિલ્ડરો પર આંધળો વિશ્વાસ કરી આ ઘર બૂક કરાવ્યા હતા. તેમની જિંદગીની મહેનત કમાણી ડિમોલિશનમાં વહી જાય છે.”
તેમણે મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારાસને લઈ કહ્યું હતું કે, “થેન્નારાસન સાહેબ એક નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારી તરીકે મૂકાયા હતા. પણ જે રીતે તેમની કાર્ય પદ્ઘતિ છે, તેમને અમદાવાદના 9 લાખ ગેરકાયદેસર બાંધકામ નથી દેખાઈ રહ્યા. પરંતુ તેમને દરિયાપુર, શાહપુર અને જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામ દેખાઈ રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામ તોડવામાં અમને વાંધો નથી. પરંતુ બીજા 9 લાખ ગેરકાયદેસર બાંધકામ છે એ પણ તૂટવા જોઈએ.”