અમદાવાદના મણીનગરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ મામલે કાર્યવાહી યથાવત્ છે. નબીરાએ જેની પાસેથી દારૂ મંગાવ્યો હતો તે વ્યક્તિ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. નબીરા કેદાર દવેએ દારૂની પરમીટ ધરાવતા જયશીલ રાઠોડ નામના વ્યક્તિ પાસેથી દારૂ મંગાવ્યો હતો. નબીરાએ જયશીલ રાઠોડને 10 હજાર રૂપિયા આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. મણીનગર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, 23 જુલાઈની રાત્રે નશામાં ધૂત નબીરાએ બેફામ કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાંકડા પર બેઠેલા ત્રણ લોકોના જીવ માંડ-માંડ બચ્યા હતા.
અમદાવાદના મણીનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે 23 જુલાઈની રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી. જોકે, આ બાંકડા પર બેસેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકને પહોંચી ઈજા પહોંચી હતી અને તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં કાર ચાલક સહિત 4 નબીરાઓને સ્થાનિકોએ દબોચીને પોલીસને સોંપ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી તો બિયરની બોટલ પણ મળી આવી હતી. પોલીસની તપાસમાં કારમાં સવાર કેદાર દવે, રૂત્વિક માંડલિયા, પ્રિત સોની અને સ્વરાજ યાદવ ચારેય નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. કાર ચલાવનાર મુખ્ય આરોપી સામે ઇસનપુર ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મણીનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ચારેય સામે ફરિયાદ નોંધાઇ હતી.
જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની તપાસમાં આ ચારેય નબીરાઓએ પરમિટધારક પાસેથી દારૂ લીધો હોવાનું સામે આવ્યું હતું. આ તમામે ઈસનપુર વિસ્તારમાં રહેતા અને દારૂની પરમીટ ધરાવતા જયશીલ રાઠોડ નામના વ્યક્તિ પાસેથી દારૂ લીધો હોવાનું સામે આવ્યું હતું. જેના પૈસા પેટીએમ મારફતે પ્રિત સોનીએ ચૂકવ્યા હતા. પોલીસ હવે જયશીલ રાઠોડ સામે પણ કડક પગલાં લેશે.