દેવાધિદેવ મહાદેવને અતિ પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભક્તો રુદ્રાભિષેક-જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી શિવાયલોમાં ભક્તોની કતાર લાગી છે, શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે રાજ્યના કેટલાક શિવ મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ટૂંકા વસ્ત્ર પહેરીને મંદિરમાં ન પ્રવેશવા લગાવાયા બોર્ડ
ગુજરાતના કેટલાક શિવાલયોમાં ટૂંકા વસ્ત્ર પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. શિવ મંદિરોની બહાર બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ કરવો નહીં. સોમનાથ, નવસારી અને બીલીમોરા મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો છે. જ્યારે અમદાવાદના બિલેશ્વર મંદિરમાં પણ ટૂંકા વસ્ત્ર પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.