રાજ્ય માર્ગ વાહન વ્યવહારે એસ ટી બસના ભાડામાં 25 ટકા જેટલો તોતિંગ વધારો ઝીંક્યો છે. હવે મધ્યમ અને ગરીબ વર્ગને મુસાફરી કરવી મોંઘી બની છે અને સરકારી બસમાં મુસાફરી કરવી હશે તો મોંઘવારીના કડવા ઘૂંટને અમૃત સમજી ઉતારવો પડશે. ગઈ કાલે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટે કરેલી જાહેરાત મુજબ લોકલ, એક્સપ્રેસ તેમજ એસી અને સ્લીપર સહિત તમામમાં કોચની બસોમાં વધારો કર્યો છે.
મુસાફરીમાં મોંઘવારીનો ડામ લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસા ભાડુ હતું જેની જગ્યાએ હવે 80 પૈસા કરવામાં આવ્યા છે. જ્યારે એક્સપ્રેસ બસમાં પ્રતિ કિલોમીટર 68 પૈસા જૂનો ભાડુ હતું જે વધારી હવે 85 પૈસા કરવામાં આવ્યા છે અને નોન AC સ્લીપર કોચમાં પ્રતિકિલોમીટર 62 પૈસાની જગ્યાએ હવે 77 પૈસા કરાયા છે. સાથો સાથ ગુજરાત વાહન વ્યવહાર વિભાગે એવો પણ દાવો કર્યો છે કે, 2014 બાદ પ્રથમવાર આ વધારો કરવામા આવ્યો છે અને જે અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો છે.
- એક્સપ્રેસ બસના ભાડાનો તફાવત જાણીએ
રૂટ | જૂનુ ભાડું – રૂપિયા | નવું ભાડું – રૂપિયા (અંદાજે) |
અમદાવાદ – વડોદરા | 98 | 124 |
અમદાવાદ – સુરત | 156 | 193 |
અમદાવાદ – રાજકોટ | 137 | 171 |
અમદાવાદ – અંબાજી | 120 | 150 |
અમદાવાદ – પાનપુર | 106 | 133 |
અમદાવાદ – દાહોદ | 150 | 186 |
અમદાવાદ – સુરેન્દ્રનગર | 97 | 121 |
અમદાવાદ – ભૂજ | 200 | 250 |
અમદાવાદ – વલસાજ | 215 | 269 |
‘2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી’
રાજ્ય માર્ગ વાહન વ્યવહારની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, એસ.ટી નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી.જેમાં ભાડા વધારાની મુખ્ય બાબતો જણાવી છે કે, વર્ષ –2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબજ વધેલ છે. લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી. નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે.