ઇસ્કોનબ્રિજ પર થોડા દિવસ પહેલા જેગુઆર કારના ચાલક તથ્ય પટેલે કરેલા ગોઝારા અકસ્માતની શાહી હજુ સુધી સુકાઈ નથી ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ છે. શહેરમાં વધુ એક નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે.
શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે. શહેરના માણેકબાગ નજીક નશામાં ધૂત નબીરાએ BMW કારથી અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હાલ પોલીસ દ્વારા BMW કારના ચાલક કમલેશ બિશ્નોઈની ધરપકડ કરી લેવામાં આવી છે. રાત્રે 1 વાગ્યાની આસપાસ ચાલકે BMW કાર માણેકબાગ નજીક અથડાવી હતી. રાત્રે GJ 01 KA 6566 નંબરની કાર આડેધડ ચલાવીને ફૂટપાથ સાથે અથડાવી હતી. જે બાદ દારૂના નશામાં કાર ચાલકે કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવી હતી.સેટેલાઈટ પોલીસે પીછો કરતાં ચાલક માણેકબાગથી ઝડપાયો હતો.
આપને જણાવી દઈએ કે, 23 જુલાઈની રાત્રે મણીનગરમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. મણીનગરમાં નશામાં ધૂત નબીરાએ બેફામ કાર ચલાવી રોડ ઉપર સાઈડમાં પડેલા બાંકડા પર કાર ઘુસાડી દીધી. આ ઘટનામાં પોલીસે કારચાલક સહિત 4 નબીરાઓને દબોચી લીધા હતા. પોલીસે કારમાં તપાસ કરી તો બિયરની બોટલ પણ મળી આવી હતી. પોલીસની તપાસમાં કારમાં સવાર કેદાર દવે, રૂત્વિક માંડલિયા, પ્રિત સોની અને સ્વરાજ યાદવ ચારેય નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.
જે બાદ પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. કાર ચલાવનાર મુખ્ય આરોપી સામે ઇસનપુર ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મણીનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ચારેય સામે ફરિયાદ નોંધાઇ હતી.