અમદાવાદ શહેરનો ઇસ્કોન બ્રિજ અકસ્માત ઝોન બની ગયો છે. શહેરના ઇસ્કોન બ્રિજ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. ઇસ્કોન બ્રિજ પર 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. 4 કાર એકબીજા સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ બ્રિજ પર કારની લાંબી લાઈનો લાગી છે.
આ અંગેની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઇસ્કોન બ્રિજ પર 12 કલાકમાં અકસ્માતની ત્રીજી ઘટના બનતા બ્રિજને બંધ કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે, ગતમોડી રાતે ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાસ્તવમાં મોડીરાતે ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી જેગુઆર લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા.