ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. રોજબરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતમાં કોઇકના મોત થયાના સમાચાર સામે આવતા જ રહે છે. ત્યારે આજે આણંદમાંથી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં 2 વર્ષના માસુમ બાળકનું મૃત્યુ નિપજ્યું છે. હાલ આણંદ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, આણંદ શહેરના સરદાર ગંજ વિસ્તારમાં આવેલી અલકાપુર સોસાયટીની સામે કાર ચાલકે 2 વર્ષીય માસુમ બાળકને અડફેટે લેતા દુર્ઘટના સર્જાઈ હતી. કારચાલકે બાળકને અડફેટે લેતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું. જોકે, કારચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.